Thursday, April 16, 2015

વિચારબિંદુ-૯




નારી કોઈ પણ આયુ ધરાવતી હોય પણ તે સદાય અન્યને સહાયરૂપ  બનતી હોય છે. ઘરમાં બાળકીનો જન્મ થતાં જ સૌ કહે છે કે લક્ષ્મીજી પધાર્યા અને દીકરી જન્મતાવેત જ પિતાની લાડકી બની જાય છે, પ્થરદિલ પુરુષ પણ દીકરીના પ્રેમથી પીગળી જાય છે. પિતા રાતે સખત થાકી ગયેલી હાલતમાં આવશે તો પણ દીકરી સાથે તો સમય વિતાવસે જ અને જાણે આખા દિવસનો થાક ઉતરી ગયો હોય તેવું જ લાગશે.

હવે આ જ દીકરી જયારે શાળાએ જવા લાગે છે, થોડી સમજણી થઈ જાય ત્યારે જાણે પિતાની દાદી હોય તે રીતે તેને વઢે છે, તેની પરવા કરે છે, પિતાની દરેક આદતનું ધ્યાન રમતા રમતા રાખે છે અને તેનું દિલ જીતી લે છે. પિતાના ઘરે આવવાના સમયે બહાર રમવા ગઈ હશે તો પણ દોડતી આવી જશે, પિતાની આંગળી પકડી જાણે હજારો વર્ષોની વાતો કેહવાની હોય તેમ બોલવાનું ચાલુ થઈ જાય છે અને પિતા પણ આ નટખટ/નિર્દોષ વાતો સાંભળવા ઘર જવાની રાહ જોતો હોય છે
.
સમય જતાં જ્યારે દીકરી પુખ્ત બને છે ત્યારે તે ઘરમાં નાના ભાઈ/મોટા ભાઈની મિત્ર બની જાય છે, ભાઈને ભણવામાં, તેની અન્ય પ્રવૃતિમાં મદદ કરે છે, ભાઈ સાથે આખો દિવસ લડતી રહશે અને છતાં ભાઈને ગમતું જ કરશે. માં ને ઘરમાં નાના-મોટા કામ, રસોઈ, વગેરેમાં મદદ કરવા લાગે છે, કોઈએ તેને સલાહ આપવી પડતી નથી તે આપમેળે જ તેની માં નો પડછાયો બની તેની સાથે રહે છે, મદદ કરે છે.

માતા-પિતા, ભાઈ-બહેનનો સાથ છોડી સાસરે જાય છે ત્યારે પોતાનું ઘર છોડ્યાનું દૂ:ખ હવા છતાં ગ્રહ પ્રવેશની ખુશીમાં જોડાય જાય છે, પતિની અર્ધાગીની બની તેના સુખ-દૂ:ખમાં સદાય સાથે ઊભી રહે છે. સસરા અને પિયરના ઘર વચે હમેશા સમાનતા જાળવવા અને સૌ કોઈના દિલ જીતવા પ્રયત્નશીલ બની રહે છે. દીકરી, બહેનની જવાબદારી નિભાવ્યા બાદ પત્ની,ભાભી,દેરાણી-જેઠાણી તેમ તમામ પદવી અનુસાર દરેક ઢાચાંમાં સમય જાય છે.

લગ્નબાદ થોડા વર્ષોમાં જ તે માં બને છે ત્યારે તે સંતાન માટે રાત-દિવસ જાગતી રહે છે, તેની ખુશી, તેની જીત, તેની પ્રગતિ એ જ તેની જીંદગીની ખુશી છે. પોતે ભૂખ્યા રહીને પણ તેમણે જમાડશે, બીમાર હશે તો પણ સંતાન માટે ભાન ભૂલીને તેમની જરૂરિયાત પૂરી કરશે.અને એટ્લે જ કોઈએ કીધું છે માં એટ્લે માં બાકી બધા વગડા ના વા. ભૂખ લાગે તે પેહલા જ થાળી પીરસે-માગ્યાં વગર પીરસે તે માં. આમ, તે પોતાના સંતાન માટે ઉતમ જ સાબિત થાય.

કેહવાય છે ને કે મૂડી કરતાં વ્યાજ વધારે વહાલું હોય, સંતાનના લગ્નબાદ જયારે દાદી બને છે ત્યારે શાયદ આંખ-કાન ઓછા કામ કરતાં હશે તો પણ પૌત્ર-પૌત્રીની સતત કાળજી રાખે છે, તેમની ઢાલ બની ને રહે છે.

આમ, નારી દરેક અવસ્થામાં સ્વને ભૂલી પોતાના કુટુંબ માટે જ સતત કેન્દ્રિત હોય છે. ક્યારે તે મોટી થઈ જાય છે ખબર જ નથી પડતી કારણ તે દરેક અવસ્થામાં પોતાની જાતને પરિસ્થિતી અનુરૂપ આકાર આપી આવિષ્કાર કરે છે, જેમ મગ-ચોખા ભળી જાયને તંદુરસ્ત ખિચડી બને તેમ તે દરેક સંજોગોમાં મગ-ચોખાની જેમ ભળી અને સુંદર પરિસ્થિતીનું સર્જે છે. અને એટ્લે જ કેહવાય છે ને નારી તું ના હારી