Monday, March 19, 2012

આજ્ઞાને સલામ


આજ્ઞા અને આદર્શના લગ્ન ને બે દિવસની વાર હતી, ઘરમાં લગ્નની તૈયારી ચાલુ હતી, મેહમાન પણ આવી ગયા હતા. આજ્ઞા મેહંદીના રંગોમાં ખોવાયેલી હતી ત્યારે તેની માં તેને કહે છે બેટા બે દિવસ પછી તું પરાયી થઇ જઈશ. બેટા હું જાણું છું તું તારી જવાબદારી સારી રીતે જ નિભાવીશ પણ માં છું એટલે તને કહીશ કે આદર્શના માતા-પિતા ને તારા માતા-પિતા જ માનજે, જે રીતે તું અમને માન આપે છે તે જ રીતે તું એમને પણ આપજે, વહુ નહિ પરંતુ દીકરી બની રેહ્જે. લગ્ન એ બે વ્યક્તિના નહિ પરંતુ બે કુટુંબનું  મિલન છે, સબંધ છે તેમનું ધ્યાન રાખજે. કેહવાય છે ને કે 'દીકરી એ સાસરે ગયા પછી માવતરના મોહ ન રખાય' તું પણ તેનું ધ્યાન રાખજે. આ ઘરના દરવાજા તારા માટે હંમેશા ખુલ્લા જ રેહ્વાના, પરંતુ તારા ઘરનાની સગવડ સાચવીને અહી આવજે તેમને તકલીફ ન પડે તે ભૂલતી નહિ.તારા વગર ઘર સુનું લાગશે પણ તને તારા ઘરે મોકલવાનો સમય આવી ગયો છે બોલતા બોલતા જ માં-દીકરીની આંખમાં પાણી આવી ગયા.

લગ્ન થઇ ગયા. બને હનીમુન પરથી પણ આવી ગયા અને હવે બને
પોતાની રોજીંદી જીંદગીમાં જોડાય ગયા હતા. આદર્શ સવારે જ ટીફીન લઈને ઓફીસ ચાલ્યો જતો અને રાતે પરત આવતો. આજ્ઞા તેની સાસુના કેહવા મુજબ ઘર કામ કરતી અને  ઘરના રીત-રીવાજ, નીતિ-નિયમો પ્રમાણે જ ઘરમાં રેહતી. પરંતુ વર્ષોથી સાસુ-વહુના મત ભેદ તો રેહતા તે અહી પણ પરંપરા ચાલુ જ હતી. આજ્ઞા કશી જ ફરિયાદ ન કરતી અને પોતાની ફરજ/જવાબદારી જ માનતી અને ઘરકામ કર્યે રાખતી. સાસુ બીમાર પડ્યા ત્યારે દિવસ-રાત તેની સેવા કરી ત્યારે સૌ કહી ગયા કે વહુ બહુ સારી છે. સમજુ છે. આદર્શ પણ આજ્ઞાથી ખુશ હતો કોઈ ફરિયાદ ન હતી. આજ્ઞા ઘરકામમાં એટલી ગૂંચવાઈ ગઈ હતી કે તેને પિયર જવાનો સમય પણ ન રેહતો પણ તે કદી જીદ ન કરી કે મને બે દિવસ ત્યાં જવા દો, માં ના શબ્દોને અનુસરતી હતી. પિયરમાં કોઈ પ્રસંગ હોઈ ત્યારે હાજરી આપતી પરંતુ આદર્શ કયારેય સાથે ના આવતો અને બોલતો કે મને આ બધું પસંદ નથી મને તારા કુટુંબમાં જવાનો કંટાળો આવે છે, મને ત્યાં નથી ગમતું માટે તારે જઈ આવવું અને કોઈ મારા માટે પૂછે તો કઈ બહાનું આપી દેવું. એટલું જ નહિ આદર્શ અહી કોઈ પ્રસંગ હોઈ તો સમય કરતા પેહલા હાજર થઇ જાય અને આજ્ઞાને પણ વેહલા પહોંચવાની સલાહ આપે. આદર્શ કોઈ વાર ફોનમાં પણ પોતાના સાસુ-સસરાના સમાચાર ન પૂછે તેમજ સાસુ સસરા પણ ખબર-અંતર ન પૂછે. આજ્ઞાને તેની માં ના શબ્દો યાદ હતા પણ તે વિચારતી શું આ માટે જ માં-બાપ દીકરીને મોટી કરે છે? દીકરો ઘર છોડે ત્યારે માં-બાપ અને સમાજ કહે છે કે પેટે પાટા બાંધીને મોટા કર્યા-ભણાવ્યા અને દીકરો આજે ચાલ્યો ગયો, શું અમારે કઈ અપેક્ષા નહિ રાખવાની? અમારો કઈ હક નહિ? જયારે દીકરીના માં-બાપ પણ આ જ રીતે દીકરીને ઉછેરે છે પરંતુ તે કહે સાસરી દીકરી પાસે અમારે કઈ અપેક્ષા ના રખાય, દીકરી સાસરેથી મળવા ન આવી શકે તો કહે તું તારે ઘર સુખી રહે તેનાથી વિશેષ અમારે કઈ જ નહિ, તારું ઘર પેહલા અને અમે પછી.  તો શું દીકરીના માં-બાપને દીકરી સમયસર મળવા આવે તેવી આશા પણ ન રખાય?આ તે કેવી જિંદગી છે? દીકરી/સ્ત્રી ત્યાગની મૂર્તિ જે તેમ કહી તેની લાગણી સાથે ક્રૂર મજાક છે કારણ મૂર્તિને કોઈ લાગણી ન હોય. આ વિચારમાં હતી ત્યાં જ સમાચાર મળ્યા કે તેની માં પડી ગઈ છે અને ચાલી પણ શકે તેમ નથી તેવા સંજગોમાં પણ જયારે માં ને મળવા જતી હતી ત્યારે સાસુએ નાટક ચાલુ કર્યા, મને પણ મજા નથી, તું કાલે જજે વગેરે, અને ત્યાં જ આદર્શ પણ આવે છે અને માં ને સાથ પુરાવતા કહે છે માત્ર પડ્યા જ છે ને? તેમાં શું થયુંરસોઈ માટે બહેન અને કામવાળીબાઈ તો છે જ અને  તેમને પૈસાની ક્યાં તાણ છે એ તો બે પૈસા વધારે આપીને કામ કરાવી લેશે તારે ત્યાં જવાની જલ્દી શું છે? પરંતુ આજ્ઞા હવે કઈ વધારે આદર્શ બોલે તે પેહલા જ બોલી..

આદર્શ
, આજ સુધી મેં તારા માતા-પિતા ને મારા માતા-પિતામાં કઈ ફરક નથી રાખ્યો, પરંતુ આજે હું કહીશ કે તારા માં-બાપ કે તે કદી મારા માં-બાપના ખબર-અંતર પૂછ્યા છે? મને રાજી-ખુશીથી ત્યાં જવા દીધી છે? કહે છે ને લગ્ન બે વ્યક્તિનું નહિ બે કુટુંબનું મિલન છે પણ તમે કદી તે ઘરનાને પોતાના ગણ્યા? શું વહુ માટે જ તે નિયમ છે? જમાય માટે નહિ? તેહવાર આવે ત્યારે પરબ લેવા હમેશા હથેળી ધરીને બેઠા હોય છો અને ત્યારે માવતરની જવાબદારી કહો છો પરંતુ ત્યાના વ્યવહારની કઈ વાત થાય તો મુઠી બાંધી લો છો, માં-બાપ કન્યાદાનમાં હાથ તમારા હાથમાં સોપે છે પણ તમે મારો હાથ ક્યારેય પક્ડ્યો છે?હું તમારી પણ તમે અને તમારા ઘરના મારા ખરા? આ જ સુધીમાં મારા માટેનો ખર્ચ માં-બાપને ત્યાંથી જે વ્યવહાર આવે છે તેમાંથી જ કરેલ છે તમે મને શું આપ્યું અને શું આપવાના? અરે દીકરાવાળા થયા તો શું થયું કોઈ વાર તમારી બહેન/દીકરીને પણ અન્યાય થશે તો શું કરશો? જીવતા વહુના માં-બાપ પાસેથી લે લે કરનાર મૃત્યુ બાદ પણ કફન માં-બાપના ઘરનું કહે છે શું તમે તે પણ લાવી નથી શકતા? જયારે કોઈ મિલકતમાં/બેંકમાં પૈસા રાખવાના મારા નામે કારણ લક્ષ્મીના નામે પૈસા મુકવાથી લાભ થાય છે, કરમાં ફાયદો થાય એટલે મારા નામે પૈસા મુકો છે અને માટે મારી સહી કરાવી લો પણ મને જાણવાનો પણ હક નથી આપતા કે શા માટે સહી કરવો છો? અને પૂછવામાં આવે તો કહો એ તમને ન ખબર પડે તમારું કામ રોટલી કરવાનું છે તે કરો અહી કહી પૂછવાનું નહિવહુ સાસુ-સસરાનું ધ્યાન ન રાખે તો કુટુંબ અને સમાજ વહુની ખરાબીનો દરિયો બનાવે છે પરંતુ જમાય સાસુ-સસરાનું ધ્યાન ન રાખે તો કુટુંબ ને સમાજ કહે એવું તો ચાલ્યે રાખે બહુ ધ્યાનમાં નથી લેવાનું, દીકરીને તો સાચવે છે ને પછી શું તકલીફ છે.તમે આદર્શ પુત્ર જરૂર છો પરંતુ આદર્શ પતિ અને જમાય નથી બન્યા તે હકીકત છે અને હવે મારે પણ આદર્શ વહુ બની નથી રેહવું, મારે સમાજ માટે નહિ મારા માટે જીવવું છે, આજ્ઞા આજે તમારા કોઈની આજ્ઞાનું પાલન નહિ કરે.


1 comment:

  1. ખરી વત છે. બધા જ નિયમો દિકરી માટે જ કેમ દિકરા માટે પણ હોવા જોઇએ
    ખુબજ સુંદર લેખ વાંચવા મળ્યો આપનો ખુબ ખુબ આભાર

    ReplyDelete