Wednesday, September 7, 2011

જવાબદાર કોણ?


નાના-મોટા દરેક ઘરમાં હવે વ્યક્તિદીઠ મોબાઈલ જોવા મળે છે. ઘરમાં ૫-૬ વર્ષનું બાળક હશે તો તે પણ મોબાઈલથી રમતું વધારે જોવા મળશે. તેને પણ મોબાઈલમાં ગેઈમ્સ રમવા કયા ઓપ્શન છે, કેમ રમાય તે તુરંત આવડી જાય છે. ગીત સંભાળતા પણ આવડે છે. એટલું જ નથી તેને બધા મોબાઈલ ઓપરેટ કરતા આવડતું હોય છે. માં-બાપ/વડીલોને બોલતા સાંભળ્યા છે કે છોકરાવના હાથમાં મોબાઈલ આવી જાય એટલે જવાબ જ ન આપે, તેને આ બધું બહુ જલ્દી આવડી જાય છે. ધીમે ધીમે છોકરાવ મોટા થાય તેમ તેની તેને આદત પડી ગઈ હોય છે. આ માટે જવાબદાર કોણ? ઘરના લોકો જ તો તેને મોબાઈલ ન આપે તો? તેને પેહ્લેથી જ શીખવવું જોઈ કે આ કોઈ રમકડું નથી, તું તારા ટોયસ અને ગેમથી રમ. ઘણા કુટુંબમાં જોયું છે કે પિતા ઘરમાં ફ્રી હોય ત્યારે મોબાઈલમાં ગેમ રમતા હોય છે તેને બદલે તે પણ જો કોઈ સારા પુસ્તક વાંચવાની વૃતિ કેળવે તો બાળકમાં પણ થોડા ગુણ આવે. સામાન્ય છે કે આજકાલ માં-બાપની ફરિયાદ છે કે તે તેના મિત્રો સાથે વધારે વાતો કરે છે, તેનો ફોન આવે એટલે તેના રૂમમાં જ ચાલ્યા જાય કે દુર જઈને વાત કરે. પણ વડીલો પણ આજકાલ શું કરે છે? ઘરમાં ઘણી વહુ રસોઈ કરતી હોય અને કોઈનો ફોન આવે,કઈ અંગત વાતો કરવી હોય તો નેટવર્ક નથી મળતું કહીને એકાંતમાં જઈને વાત કરશે અથવા કોઈ બહાનું આપી કેશે કે પછી ફોન કરીશ. કોઇ માં પણ પોતાની દીકરીનો  સાસરેથી ફોન આવે ત્યારે વહુ સાથે હોય આગળ પાછલ જઈને વાત કરે છે, તો ઘરના સંતાન શું શીખવાના?  થોડા સમય પેહલા ઘરમાં એક જ ફોન હોય અને તે પણ લેન્ડલાઈન, સામાન્ય રીતે ઘરના બધા સાથે જ હોય એટલે ખબર પડે કે કોનો ફોન હતો, શું વાત થતી હતી પણ હવે એવું નથી રહ્યું. સંતાનને પૂછવામાં આવે કે કોનો ફોન હતો તેને પસંદ પણ નહિ આવે અને ખોટું પણ બોલશે. ઘરમાં હોય કે બહાર, માણસ પૈસા વગર બહાર જતી હશે પણ મોબાઈલ વગર નથી જતી. ૭૦-૮૦ વર્ષના વડીલ પણ રોડ પર વાતો કરતા જોવા મળે છે, એવું  કયું ખુબ અગત્યનું કામ હતું કે રોડ પર જ વાતો કરવા લાગ્યા? સામાન્ય રીતે વાતોમાં કઈ દમ નથી હોતો, માત્ર કેમ છો? શું છે?સગવડ છે તેનો સદુપયોગ થવો જોઈએ. વડીલ બહાર ગયા હોય મોબાઈલ સાથે હોય તો તબિયત બગડે, કોઈ અણબનાવ બને તો મોબાઈલ કામ લાગે પણ અહી વાત છે આદતની. અને સંતાન આમાંથી જ શીખે છે જેમ કે ઘરમાં બધા બેઠા હોય ત્યાર્રે ટૂંકાવીને કે બહાર/રૂમમાં જઈને વાત કરવાની. હવે આપને જ વિચારવું જોઈએ કે વાંક કોનો? 


ટી.વી. આજે ખુબ ઓછી કિમતમાં મળે છે અને મોબાઈલની જેમ તે પણ સામાન્ય રીતે ઘરમાં જેટલા રૂમ તેટલા ટી.વી. હોય છે એટલે ઘરના સભ્યો પોતાના કામ નીપટાવી અને રૂમમાં જઈ ટી.વી. જોવાનું પસંદ કરે છે. થોડા સમય પેહલા જોવા મળતું કે ઘરના વડીલો સવાર કે સાંજે નવરાશ મેળવે એટલે મંદિરે જવાનું પસંદ કરતા, ઘરમાં બેસી ભગવાનની માળા કરતા, ભજન સંભાળતા. પરંતુ અત્યારે ઘરના વડીલ સ્ત્રી/પુરુષ બને ઘરમાં પૂજા-પાઠ કરે ન કરે, નવરાશ પડે એટલે ટી.વી. ચાલુ કરીને બેસી જાય છે. સ્ત્રીને સીરીયલ જોવી ગમે છે અને દરેક ચેનલમાં સાસુ-વહુની, ઘરમાં કંકાશ વધારે તેવી સીરીયલ દિવસ દરમ્યાન ચાલુ જ હોય છે, એટલું જ નહિ બધી સીરીયલ દિવસમાં ૨-૩ વાર આવે છે એટલે કોઈ એક સમય ન જોઈ શક્યા હોય તો અન્ય સમયે તો જરૂર જોઈ શકાય. પુરુષ પણ ધીમે-ધીમે આ બધી સીરીયલમાં રસ ધરવતા થઇ ગયા છે, અને સીરીયલ ન જોવે તો ક્રિકેટ મેચ તો નવા-જુના આવતા જ હોય છે તે જોયે રાખે. ભાગ્યે જ કોઈને ધાર્મિક ચેનલ કે ન્યુઝ ચેનલ જોતા જોયા છે. હા, આજકાલ ન્યુઝ ચેનલવાળા એકને એક સમાચાર બતાવે રાખે અથવા કોઈ વાતને ચીગમની જેમ ચાવે રાખે છે પણ ઘણી સારી ન્યુઝ ચેનલ છે જે જાણવા જેવા, નોલેજ વધારાય તેવા મસાલા પણ આપે છે. ઘરમાં પિતા પણ નોકરી-ધંધેથી આવ્યાબાદ સૌ પ્રથમ ટી.વી.ના દર્શન અને આરતી કર્યાબાદ જ પ્રસાદ લેવાનું પસંદ કરે છે. તો બાળકોનો શું વાંક? તે શું કરવાના? શાળાથી આવીને સૌ પ્રથમ તે પણ ટી.વી. જ ચાલુ કરશે ને? અને મમતાથી ઓતપ્રોત માં ને ચિંતા થાય છે કે હમણાં તેને ફરી ક્લાસીસમાં જવાનું છે તે ભલેને થોડી વાર ટી.વી. જોતા એટલે પ્રસાદ પણ ટી.વી.ની સામે જ ધરે છે. ઉપરાંત પોતે પણ પોતાના કામમાં વ્યસ્ત હોય સંતાનને ટી.વી. ની સામે બેસાડી દે છે અને આ રીતે બાળકો જમવા/બેસવા ટેવાય જાય છે અને આ સંતાન મોટા થતા ટી.વી.માં જે કલાકારો જોવા મળે છે તેના જેવા બનવા પ્રયત્ન કરે છે, તેવા કપડા, સૂઝ વગેરે, અને તેના ફેમીલીની પણ નાનામાં-નાની વાત જાણવામાં રસ ધરાવતા હોય છે. એશ્વર્યા માં બનવાની છે તે તુરંત જ ખબર પડી જાય અને ફેસબુક પર અભિનંદન આપવાનું પણ ભૂલતા નથી, પણ તેના કુટુંબની બહેન પણ માં બનવાની છે તે ખબર પણ ન  હોય અને તેને અભિનંદન આપવાનું પણ ઇગ્નોર કરે છે, કારણ કે ઘરની વાતમાં રસ હોતો નથી, કુટુંબમાં આવવું-જવું ગમતું નથી.  બાળકો ટી.વી. ઘેલા થઇ ગયા છે પણ તે માટે જવાબદાર કોણ? વડીલો પણ સાંજે ૭/૭.૩૦ થી રાતે ૧૧/૧૨  વાગ્યા સુધી ટી.વી. બંધ નથી કરતા, એક પછી એક ગુજરાતી/હિન્દી સીરીયલની ધોધ ચાલુ જ હોય છે. આ રીતે ઘરમાં બધા સાથે હોય છતા કોઈ વાત કરવાને બદલે, એકબીજાનો દૈનિક વાર્તાલાપ કરવાને બદલે ટી.વી. સીરીયલ જોવાનું જવધારે પસંદ કરે છે.ક્યારેક કોમેડી(જેને લીધે થોડીવાર હશે તો છે) તો ક્યારેક રીયાલીટી અને સાસુ-વહુની સીરિયલે દર્શોકોને આકર્ષી લીધા છે, હવે માણસો પાસે નવું વિચારવાનો સમય જ નથી રેહતો. મનોરંજન માટે થોડી વાર ટી.વી. જોયા બાદ તો વડીલ સારા પુસ્તક વાંચે, કઈ નવું શીખે તો તેમનાથી પ્રેરાયને બાળકો પણ તેવું કરવા ટેવાશે. અહી વાંક કોનો?આપને ત્યાં કેહવત છે ને 'જેટલો ગોળ નાખો એટલું ગળ્યું થાય' તેમ સંતાનને જેટલા લાડ લાડવો તેટલા લડે(ચડે). માં-બાપને પોતાના સંતાનની ટી.વી., મોબાઈલ વગેરે અંગે ફરિયાદ કરવાનો હક ત્યારે જ છે જયારે તે સ્વથી ભૂલ સુધારવાની શરુ કરે. એક-બે સ્ત્રી વડીલને બોલતા સાંભળ્યા છે કે અમારા સમયમાં ટી.વી. પણ ભાગ્યે જ કોઈના ઘરમાં હતા અને આપના ઘરમાં ટી.વી. આવ્યા છતાં અમને ઘરકામમાંથી નવરાશ જ ન મળતી તો ટી. વી. ક્યાંથી જોય? હવે ઘરમાં કોઈ રોકટોક કરનાર રહ્યું નથી, ઘરમાં વહુ છે તેને કામ સાંભળી લીધું હોય એટલે ઘરકામમાં ઘટાડો થઇ ગયો હોય છે એટલે કહે જે આટલા વર્ષો ઢસરડા કર્યા છે હવે તો એમ થાય ને કે શાંતિથી રહી. વાત સાચી છે, માણસને જે નથી મળ્યું, નથી મળતું તેને માટે તે તરસે છે એટલે જયારે તે મળે ત્યારે તેના માટે વ્યક્તિ રઘવાયા થાય છે અને આવું ન બને તે માટે સંતાનને ટી.વી./મોબાઈલ, મનગમતી વસ્તુ સમય-સંજોગો પ્રમાણે આપવી જોઈએ પણ એક મર્યાદા રાખવી જોઈ. જીંદગીમાં મનોરંજન માટે પણ કઈક જોઈએ, થાકીને આવ્યા હોય ત્યારે તેમ થાય કે થોડી વાર મગજને કસ્ટ આપ્યા વગર સમય પસાર કરવા માટે આ બધું યોગ્ય છે પણ Everyone should bind their own boundary. શું કરવું? કેટલું કરવું? વગેરે..

No comments:

Post a Comment