Thursday, September 29, 2011

નવરાત્રિ

નવરાત્રી એટલે આદ્ય-શક્તિની આરાધના માટેના નવ દિવસો. જે દરમ્યાન શ્રદ્ધાળુઓ આદ્ય-શક્તિની આરાધના-ઉપવાસ કરીને, માતાજીના ગરબા ગાયને, અનુષ્ટાન કરે છે. એટલે કે નવરાત્રી એક શક્તિની ઉપાસનાનું પરંપરાગત પર્વ છે. નવ દિવસો સામાન્ય રીતે કુમારિકાઓ ગરબે ઘૂમે છે. શક્તિ એટલે કે માતાજીના ગરબા-રાસ ગાય છે. નવ દિવસ કુમારિકાઓ રાસ લે છે, તેમના વડીલ ગરબી મંડળની બાળાઓને રાસ લેતા નિહાળીને આનંદ અનુભવે છે. રાત્રીના મોડેથી નિયત સમય ગરબી લેતી બાળાઓ માતાજીની આરતી કરે છે અને અંતે દાની રહેલ સર્વે પ્રસાદી મેળવીને નોરતાના દિવસોમાં ભાગ લીધાનો સંતોષ માની છુટા પડે છે. 


આપણા દેશમાં બધા દેવ-દેવીને સન્માનવામાં આવે છે. દેવીને એક શક્તિનું સ્વરૂપ સમજવામાં આવે છે. અંતે તો શક્તિ-દેવી એક માં જ છે.માં નું સન્માન કરવું સનાતન ધર્મના પાયામાં છે. દરેક ધર્મોના કુટુંબમાં શાખ-અટક્વાર એક કુળદેવી હોય છે અને પ્રસોગોપાત કુળદેવીને નૈવૈધ્ય ધરતા હોય છે. આ દેવીઓએ જુદા-જુદા સમયે જુદા-જુદા દૈત્યો-દાનવો અને અસુરોને નાશ કર્યાની વાર્તાઓ કે દંત કથાઓ દેવીના નામ સાથે સંકળાયેલ છે. આમ, દેવી- શક્તિ આપણું રક્ષણ  કરે છે માટે આપણે તેને ભજીએ છીએ , તેના દિવસો નવરાત્રી ઉજવીએ છીએ. આ દેવીમાં શક્તિનું અનુષ્ઠાન કરીને પાવન થવા પ્રયત્ન કરીએ છીએ. 

નવરાત્રી એટલે માં ભગવતીની આરાધનાના નવ દિવસોનો સમૂહ. નવરાત્રીમાં કુમાંરીકાના નિર્દોષ રાસનું મહત્વ છે, ઘણી જગ્યાએ નવરાત્રીમાં ફક્ત પુરુષો જ ચોક્કસ વસ્ત્રો પેહરીને માતાજીના ગુણગાન ગાય છે,કોઈ જગ્યાએ દેવી પૂજકો માતાજીના ડાકલા વગાડીને-ધૂણીને નવરાત્રી મનાવે છે. આપણા દેશમાં અનેક દેવ-દેવીના નામ પ્રચલિત છે. જેની શ્રદ્ધાળુઓ ઉપાસના કરે છે. પરંતુ આ દેવીના નામને પોંરાણીક આધાર મળતો નથી. કેટલીક દેવીના નામ દેશવ્યાપી છે તો કેટલાક નામ પ્રદેશ, જીલ્લા કે તાલુકા કક્ષાના છે. જેમ કે, સંતોશીમાંનું નામ વેદ-પુરાને આધારે નથી, તે એક કલ્પનાની દેવી છે. તેમ છતાં તેમના વ્રત-નિયમો કરીને શ્રદ્ધાળુઓ ધન્યતા અનુભવે છે. આપણો દેશ પરંપરાનો દેશ છે. જેમાં વિવિધ તેહવારો તિથી પ્રમાણે ઉજવવામાં આવે છે. ગણપતિ ઉત્સવ ફક્ત પરમ્પરાગત ઉત્સવ છે, દેશના આઝાદી સંગ્રામ સમયે દેશપ્રેમના ઉમંગ માટે સભા-સરઘસ પર બંધી હતી અને એટલે સ્વ. બાલગંગાધર તિલકે ગણપતિ ઉત્સવની મહારાષ્ટ્રમાં શરૂઆત કરી. તેની ધર્મસભામાં પ્રવચન કર્યા. આ ઉત્સવ આજે સમગ્ર દેશમાં ખુબ જ ઉમંગથી ઉજવાય છે.પરંતુ આજે દરેક ઉત્સવ કે ઉજવણીમાં પરંપરાને બાજુમાં મુકવામાં આવી રહ્યો છે. બીજા શબ્દોમાં નવરાત્રી ઉત્સવને સમયની અસરે નવો રંગ લાગ્યો છે. નિર્દોષ બાળાઓના રાસનું સ્થાન અર્વાચીન રાસે લીધું છે જેમાં ભક્તિનો અંશ માત્ર નથી. ફક્ત મનોરંજન, પ્રદુષણનો ફેલાવો છે, પૈસાની બરબાદી અને અંગ-પ્રદર્શન વગેરે છે. ઘણીવાર આ સુધારાથી સમાજની વિકૃતિને મદદ મળે છે. આજની નવરાત્રી ઉત્સવ અર્ચના- આરાધનાનું પર્વ મટીને ફિલ્મી રાગડા, અવાજનું પ્રદુષણ અને મોડે સુધી જાગીને ખાવાપીવાની ઉજવણી કરવાનો સમય હોવાનું માની શકાય. નવરાત્રીમાં ગવાતા ગરબામાં પણ સમાજની પ્રવતમાન સમસ્યાના દર્શન થતા હોય છે. આઝાદીના સમયમાં 'ભારતમાતા' ના રાસ થતા. ગાંધીના ગુણાનુવાદ રાસમાં જોવા મળતા. જેમ કે. રેંટીયે લેજો બાપુજીનું નામ, .. વગેરેને આધારે કુચ-કદમના પણ રાસ થતા. પરંતુ આધુનિક સમયમાં ટી.વી.,મોબાઈલની અસર નીચે આધુનિક વસ્ત્રો, ચણીયા-ચોળી વગેરે પેહરીને બહેન-દીકરીઓ અર્વાચીન રાસ રમે છે. ડિસ્કો અને ડી. જે. ને સહારે નાચે છે. જેમાં ગરબો અને માતાજીનું ધાર્મિક મહત્વ મહદ અંશે મામુલી છે.

શક્તિની આરાધનાનું પર્વ નવરાત્રી તેના મૂળ સ્વરૂપને ભૂલીને મહદ અંશે મનોરંજનની રાત્રીમાં સમુહમાં પરિવર્તન થયાનું માની શકાય.

નવરાત્રી મહોત્સવ પેહલા ચોમાસાની ઋતુ આવતી હોય અને ભાદરવાનો આકરો તડકો જે બીમારી લાવે છે તેના રક્ષણ માટે રાસ-અંગ કસરત, દીવા-ધૂપથી જીવાત નાશ પામે, શરીશ્રુપો જમીનમાં પાછા જાય અને દીકરી રાસ-ગરબા ગાય તેથી ગાળા શુદ્ધ થાય. આમ, નવરાત્રી એક આરોગ્યમય દિવસોનો સમૂહ ગણવામાં આવે તો પણ સ્વીકારી શકાય. ઉપરાંત આપણો દેશ ખેતી પ્રધાન છે અને આ સમયગાળા દરમ્યાન ખેતરની ઉપજ પાકવાની તૈયારીમાં હોય ત્યારે સર્જન અને વિસર્જનના પ્રતિક સ્વરૂપે દેવી-શક્તિનું અનુષ્ઠાન કરીને તેના ચરણોમાં ખેત-ઉપજ ધરવાની પ્રથા પણ હતી.

No comments:

Post a Comment