Monday, February 17, 2014

ટેલીગ્રામ

મોન્ટુ: યાર ચિન્ટુ, મને તે ફાઈલ તું ટેલીગ્રામથી મોકલી આપ. હું તે ફાઈલ હમણાં જ જોઈને તને રિપ્લાય કરું છુ.
ચીમનલાલ: બેટા મોન્ટુ એમ કઈ કાગળિયા તુરંત ન મળે અને તે પણ ટેલીગ્રામથી? બેટા હવે તો તે સેવા પણ ગઈ છે. તારા મિત્રને બોલ કોઈની સાથે ફાઈલ મોકલી આપે કારણ આંગડિયા તો બહુ જ મોંઘા થશે.
મોન્ટુ: અરે પાપા, તમે શું વાત કરો છો? ટેલીગ્રામ સેવા બંધ નથી થઇ, તે થોડા સમયથી અસ્તિવમાં આવી છે અને ફાઈલ મોકલતા ૬૦ સેકન્ડ પણ નહિ થાય અને તે સસ્તું છે.
ચીમનલાલ: બેટા તું છાપુ નહિ વાંચતો નથી એટલે તને ખ્યાલ નથી, પોસ્ટ ઓફીસમાં પૂછી આવ.
મોન્ટુ: પાપા હું એ ટેલીગ્રામની વાત નથી કરતો, તમારી વાત સાચી છે પરંતુ હવે ઈન્ટરનેટ વડે આ ફોનમાં નવી સેવા(નવી એપ્લિકેશન) શરુ થઇ છે તેનું નામ પણ ટેલીગ્રામ છે. તેમાં ઘણી મોટી/લાંબી વિગત અન્યને માત્ર સેકન્ડમાં જ પહોંચાડી શકાય છે અને તે પણ નજીવા દરે. અમે તો દિવસમાં આવા ઘણાં ટેલીગ્રામ કરીએ તમે જે વાત કરો છે તે જમાનો હવે ગયો. મોબાઇલમાંથી જ કોઈ પણ સંદેશ દુનિયામાં કોઈ પણ જગ્યાએ પળભરમાં મોકલી શકાય છે અને તેમાં જોક્સ, શાયરી, સારા-ખરાબ વગેરે મેસજ હોય છે અને પાપા તેમાં ટાઈમપાસ પણ થાય છે.
ચીમનલાલ: શું?મોબાઈલમાં?ઓછા ખર્ચે?ઓછા સમયમાં?ઈન્ટરનેટ દ્વારા ?બેટા આ તું શું કહે છે?તું જાણે છે? કે દાયકાઓ અગાઉ જ 'તાર(ટેલીગ્રામ) આવ્યો છે' ની જાણ થતાં જ હૃદયના ધબકારા વધી જતા હતા, બ્લડપ્રેસર અપ-ડાઉન કરવા માંડતાં હતાં.સમાચાર ખુશીના હોય કે માતમના... સમાચાર બાળ જન્મના હોય કે નોકરી મળવાના...કે અન્ય કોઈ પ્રકારના.આ સેવાના કારણે જ સગાવહાલાઓની તમામ પ્રકારની માહિતી લોકો સુધી માત્ર થોડી મિનિટોમાં પહોંચતી. તાર મળવાના સમાચારથી સામાન્ય રીતે  લોકો રડવા લાગતા કારણ કે તે સમયે તાર આવે એટલે સમજી લેવાનું નક્કી સંબંધીમાં કોઈનું મૃત્યુ થયું હશે. કેમ કે તે વખતે મોટાભાગે સ્વજનના નિધનના સમાચાર તુરંત પહોંચાડવા માટે તાર કરવામાં આવતા.
ભારતમાં પહેલો તાર 5 નવેમ્બર 1850ના રોજ કલકત્તા અને તેનાથી 50 કિમીદૂર ડાયમંડ હાર્બર વચ્ચે કરવામાં આવ્યો હતો. આ ઘટનાના માત્ર પાંચ જ વર્ષમાં સામાન્ય લોકો માટે પણ તાર સેવા શરૂ થઈ ગઈ હતી. અંગ્રેજોએ 1870 સુધીમાં યૂરોપને ભારત સાથે જોડતી તાર સેવા માટે 11 હજાર કિલોમીટર લાંબી ટેલીગ્રાફ લાઈન તૈયાર કરી લીધી હતી. આ ટેલીગ્રાફ લાઈન ચાર દેશોમાંથી પસાર થતી હતી. મોર્સ ટેલિગ્રાફની પેટન્ટ કરાવનારા અમેરિકન વૈજ્ઞાનિક સેમ્યુઅલ મોર્સ અને તેમના સહાયક આફ્રેડ વેલે ટેલિગ્રાફની એક નવી ભાષા બનાવી હતી જેના માધ્યમથી તમામ સંદેશ ડેશ અને ડોટના મારફતથી મોકલી શકાતા.
 ટેલીગ્રામ મશીન પર ફટાફટ થનારા `કટ'ના અવાજને ડોટ કહેવામાં આવતું અને આ પ્રક્રિયામાં જે વિલંબ થાય તેને ડેશ. 1931માં વાયરલેસ ટેલીગ્રામ સર્વિસનો પ્રારંભ થયો. હજારો કિલોમીટર વિસ્તરેલા તારની મદદથી કાર્ય કરતી સેવા હવે તાર વિહીન બની ગઈ છે. વાયરલેસ ટેલીગ્રામ સર્વિસ ચાલુ થવા છતા આજ દિન સુધી આ સેવાને તાર સેવાના નામે જ ઓળખવામાં આવી. ટેલિગ્રામ ઓફિસમાં મોર્સ કોડ ઓપરેટરની નોકરી મેળવવા માટે તે સમયે એક વર્ષની ટ્રેઈનિંગ લેવી પડતી. જેમા ૮/૯ મહિના અંગ્રેજી મોર્સ કોડ અને ચાર મહિના હિંદી મોર્સ કોડ શિખવાડવામાં આવતા. ટેલીગ્રામ ઓફિસમાં એક ચાર્ટ રાખવામાં આવતો. આ ચાર્ટમાં તમામ સંદેશ માટે એક વિશેષ નંબર લખેલો હતો. ગ્રાહક પોતાના સંદેશા મુજબનો નંબર, ચાર્ટમાં જોઈ ઓપરેટરને કહેતો, તેમજ તેનો ચાર્જ શબ્દ પ્રમાણે લેવામાં આવતો એટલે સૌ ટૂંકા મેસેજ કરવાનું પસંદ કરતા.


આ યુગમાં ટેલીગ્રામ સેવાનો લાભ ઘરમાં બેસીને જ લઇ શકાય છે, સારા/ખરાબ તમામ માહિતી તુરંત જ મોકલી શકાય છે. બેટા ખરેખર તમારી જનરેશન બહુ ઝડપી આગળ વધી રહી છે, ઈન્ટરનેટ/મોબાઈલના ગેરલાભો છે પરંતુ તેના અનેક લાભ પણ છે.

No comments:

Post a Comment